Movie: The Good Road (2013)
Genres: Drama
Director: Gyan Correa
Writer: Gyan Correa
Casts: Sonali Kulkarni, Ajay Gehi, Keval Katrodia, Poonam Rajpoot, Rinkle Karelia, Shamji Dhana Kerasia, Priyank Upadhyay.
Produced by: National Film Development Corporation (NFDC).
Storyline
ફિલ્મમાં ત્રણ અલગ-અલગ કથાઓ એક સાથે આગળ વધે છે, જેના કેન્દ્રમાં કચ્છનો એક વિશાળ હાઈવે છે.
ડેવિડ (અજય ગેહી) અને કિરણ (સોનાલી કુલકર્ણી) પોતાના 7 વર્ષના પુત્ર આદિત્ય (કેવલ કત્રોડિયા) સાથે મુંબઈથી ભૂજની ટ્રીપ ઉપર નીકળે છે. રસ્તામાં એક ધાબા પર ગાડી ઉભી રાખે છે. આ દરમિયાન આદિત્ય ગાડીમાંથી ઉતરી એક ગલુડિયાને રમાડવા લાગે છે, અને તેના માતા-પિતા તેને ભૂલથી અહી છોડીને આગળ વધી જાય છે.
પપ્પુ (શામજી ધના કેરાસિયા) એક ટ્રક ડ્રાઈવર છે, જે પોતાના પરિવાર માટે ખુબ મહેનત કરે છે. પૈસાની તંગીના કારણે તે તેના એક સાથીની મદદથી પોતાના ખોટા મૃત્યુ દ્વારા ઇન્શ્યોરન્સ રકમ મેળવવાની યોજના બનાવે છે. તેનો કાયમી સાથી શૌકત (પ્રિયંક ઉપાધ્યાય) તેની સાથે છે.
પૂનમ (પૂનમ રાજપૂત) એક 11 વર્ષની બાળકી છે, જે મુંબઈથી પોતાના દાદીના ઘરે એકલી નીકળી હોય છે, પણ ટ્રક ડ્રાઈવર તેણે રસ્તામાં જ ઉતારી દે છે. તે થાક અને ભૂખથી એક અજાણી જગ્યાએ આવી પહોચે છે, જે એક ચાઈલ્ડ પ્રોસ્ટીટ્યુટની જગ્યા છે. અહી તેણે તેના કરતા થોડી મોટી ઉમરની છોકરી રિન્કલનો (રિન્કલ કારેલિયા) સંગાથ મળે છે.
શું આદિત્ય પોતાના માતાપિતા સુધી પહોચશે? પૂનમ આ જગ્યાએથી બહાર નીકળી શકશે? પપ્પુ તેની યોજનામાં સફળ થશે? તેનો જવાબ ફિલ્મ દ્વારા મળશે.
Actors, acting, characters, characterization, character development
કિરણ તરીકે સોનાલી કુલકર્ણી, જેમણે ગભરાટગ્રસ્ત માતાનું પાત્ર નિભાવ્યું છે. પુત્રને ગુમાવ્યા પછી તેની ચિંતા, લાચારી અને હતાશા અધિકૃત લાગે છે.
ડેવિડ તરીકે અજય ગેહી, મધ્યમ વર્ગના પિતાની હતાશા તેમના અભિવ્યક્તિઓ જોવા મળે છે.
આ બંને કલાકારો સિવાય ફિલ્મના અન્ય દરેક કલાકારો કોઈ વ્યાવસાઈક કલાકારો નહોતા, અને આ દરેક કલાકારોની પહેલી અને છેલ્લી ફિલ્મ હતી.
Cinematography
અમિતાભ સિંહની અનુભવી સિનેમેટોગ્રાફી આ ફિલ્મનું સૌથી મજબૂત પાસું છે. તેમણે કચ્છના વાસ્તવિક લોકેશન્સ અને લોકજીવનને કેમેરાની નજરથી ખૂબ જ સુંદર રીતે કેપ્ચર કરવામાં આવ્યા છે.
રણના વિશાળ દ્રશ્યો (Wide Desert Shots): કચ્છના અનંત અને ઉજ્જડ રણને કેમેરામાં એક ‘અનંત ઊંડાઈ’ (Horizontal Abyss)ની જેમ દર્શાવાયું છે. રણની ક્ષિતિજની અફાટ વિશાળતા સામે પાત્રોની લાચારી અને તેમનું એકલવાયાપણું ઉભરીને સામે આવે છે
વાસ્તવિકતા અને વિઝ્યુઅલ કન્ટ્રાસ્ટ: સફેદ રણની સપાટ પૃષ્ઠભૂમિ સામે રંગબેરંગી કપડાંમાં સજ્જ કચ્છી સ્ત્રીઓ અને ગામ લોકોનું શૂટિંગ દ્રશ્યની દ્રષ્ટિએ અત્યંત મનમોહક બને છે. રણનો સૂકો અને તપતો માહોલ દર્શકો સુધી યોગ્ય રીતે પહોંચે છે.
કેમેરા એંગલ્સ અને તણાવ: જ્યારે વાર્તામાં ગંભીર કે ગંભીર ક્ષણો આવે છે (જેમ કે પૂનમનો વેશ્યાગૃહનો સિક્વન્સ અથવા પપ્પુનો વિચાર), ત્યારે સિનેમેટોગ્રાફરે નીચેથી ઉપર તરફના (Looming Angles) કેમેરા એંગલ વાપર્યા છે, જે દ્રશ્યમાં એક પ્રકારનો તણાવ અને ભય ઉત્પન્ન કરે છે.
Songs, music
રજત ધોળકિયાનું સંગીત ફિલ્મના માહોલને વધારે છે. જે એક રીતે કચ્છના સંસ્કૃતિક વારસાના દર્શન પણ કરાવે છે.
પાર્શ્વ સંગીત: અત્યંત ઓછું અને વાતાવરણને અનુકૂળ. રણની શાંતિને સંગીત દ્વારા પૂરક બનાવવામાં આવ્યું છે. લોકસંગીતના અંશો: કચ્છના સ્થાનિક લોકસંગીતનો પ્રભાવ, જે વાસ્તવિકતા ઉમેરે છે. સાઉન્ડ ડિઝાઇન: હાઈવેના વાસ્તવિક અવાજો, ટ્રકનું એન્જિન, પવન, દૂરનો વાહનવ્યવહાર, આ બધું એક જીવંત અનુભવ ઉભો કરે છે.
Director, direction
જ્ઞાન કોરિયાની આ દિગ્દર્શક તરીકેની શરૂઆત છે. એડ ફિલ્મ મેકિંગ બેકગ્રાઉન્ડ ધરાવતા કોરિયાએ ફીચર ફિલ્મ માધ્યમને ખૂબ જ ગંભીરતાથી હેન્ડલ કર્યું છે.
તેમણે બિન-અભિનેતાઓને કાસ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે, પણ આ નિર્ણયના મિશ્ર પરિણામો જોવા મળ્યા. જેમ કે વાસ્તવિક ટ્રક ડ્રાઈવર કાસ્ટિંગ અધિકૃત લાગણી લાવે છે, પણ ભાવનાત્મક ઊંડાઈમાં સમાધાન દેખાઈ આવે છે.
ડિરેક્શનમાં કેટલીક નબળાઈઓ ચોખ્ખી દેખાઈ પણ આવે છે, ફિલ્મના અનેક સીન્સ ગંભીરતા સર્જવામાં નિષ્ફળ ગયા છે.
Strong, plus points
અમિતાભ સિંહની અદ્ભુત સિનેમેટોગ્રાફી, જેમાં કચ્છના રણના ભવ્ય દ્રશ્યો.
રજત ધોળકિયાનું વાતાવરણને અનુકૂળ સંગીત, જે શાંત છતાં અસરકારક પણ છે.
સામાજિક સુસંગતતા – બાળ વેશ્યાવૃત્તિ, ગરીબી, અને પારિવારિક અંતર જેવા મહત્વના મુદ્દા ફિલ્મમાં સારી રીતે સમાવાયા છે.
Weak, minus points
ફિલ્મમાં સોનાલી કુલકર્ણી સિવાય અન્ય અભિનેતાઓની અતિ સામાન્ય અને નબળી એક્ટિંગ એ ફિલ્મનો સૌથી મોટો વિક પોઈન્ટ છે. જેના કારણે અનેક ભાવનાત્મક દ્રશ્યોમાં ઘણી જગ્યાએ એકદમ સપાટ લાગે છે. ઉપરાંત નાટકીય ઊંડાણનો અભાવ, જેમાં વાર્તાઓમાં ક્યારેક ભાવનાત્મક અસરની કમી લાગે છે.
ફિલ્મમાં અપશબ્દો અને શુદ્ધ ગુજરાતી ગાળો પણ સાંભળવા મળે છે, જે તેને પરિવાર સાથે જોવા લાયક ફિલ્મ નથી બનાવતી. ઉપરાંત શહેરી ગુજરાતી સંવાદો, સાચા ગ્રામીણ વાતાવરણ સાથે મેળ ખાતા નથી.
Closing scene
ફિલ્મનો અંત ત્રણેય વાર્તાઓનો ઉકેલ લાવે છે. પપ્પુના પાત્રમાં પરિવર્તન આવે છે, એક સ્વાર્થી ટ્રક ડ્રાઈવરથી એક દયાળુ માનવી બની જાય છે. આદિત્યના માતા-પિતાનો ગભરાટ છેલ્લે શાંત થાય છે. પરંતુ પૂનમની વાર્તાનો અંત અસ્પષ્ટ છે, તે વેશ્યાગૃહમાંથી ભાગી છૂટે છે પણ તે તેની દાદીના ઘરે પહોચે છે કે નહીં, તે સ્પષ્ટ નથી. આ અસ્પષ્ટતા દર્શકોને વિચારતા રાખે છે, જે કદાચ દિગ્દર્શકની ઈચ્છિત પસંદગી છે.
છેલ્લા દ્રશ્યમાં હાઈવેનો વિશાળ શોટ, ખાલી રસ્તો, આથમતો સૂરજ અને અદ્રશ્ય થતો ટ્રક, આ દ્રશ્ય ફિલ્મની થીમને વધુ સ્પષ્ટ કરે છે.
Critics acclaimed points
60th ‘National Film Awards‘માં આ ફિલ્મે શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો ‘નેશનલ એવોર્ડ’ જીત્યો હતો. જ્યુરીએ પ્રશંસા સાથે કહ્યું: “અન્ય ભારતની ક્યારેય ન પૂરી થતી હાઈવેની સફર અને તેના છુપાયેલા પાસાઓને ખૂબ સરસ રીતે કેપ્ચર કર્યા છે.”
‘Indian Film Festival Houston‘ (IFFH) 2013માં, આ ફિલ્મે શ્રેષ્ઠ ફીચર ફિલ્મ જ્યુરી એવોર્ડ (Best Feature Film Jury Award) મેળવ્યો હતો.
86મા ‘Academy Awards‘ (ઓસ્કાર 2014) માટે, ઓસ્કાર માટે શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી. આ ફિલ્મ ભારત તરફથી મોકલવામાં આવેલી ઓફીશીયલ ફિલ્મ હતી. જોકે, તે વિશ્વભરની અન્ય ફિલ્મો વચ્ચેની સ્પર્ધામાંથી આખરી 5 ફિલ્મોની યાદીમાં તે સ્થાન મેળવી શકી નહોતી. આ પહેલી ગુજરાતી ફિલ્મ હતી જે ભારતના પ્રતિનિધિ તરીકે ઓસ્કારમાં ગઈ હતી.
Movie trivia
જ્ઞાન કોરિયાની આ પહેલી ફીચર ફિલ્મ છે. તેમણે પહેલા એડ ફિલ્મો બનાવી હતી. બે સાચા પ્રસંગો ઉપરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે.
ફિલ્મનું શૂટિંગ કચ્છના ભીરંડિયારા ગામમાં થયું હતું. ઉનાળાની ગરમીના કારણે શૂટિંગનો સમય ખૂબ મર્યાદિત હતો.
સોનાલી કુલકર્ણીની આ બીજી ગુજરાતી ફિલ્મ હતી, આ પહેલા તેમણે રાઈટર ડિરેક્ટર વિપુલ શર્માની મલ્ટી એવોર્ડ વિનિંગ Love is Blind (2005) ફિલ્મમાં કામ કર્યું હતું.
શામજી ધના કેરાસિયા એક વાસ્તવિક ટ્રક ડ્રાઈવર છે. 5 મહિનામાં લગભગ 200 ડ્રાઇવરોના ઓડિશન પછી તેમની પસંદગી કરાઈ હતી. તેમણે આ જીવન કોઈ ફિલ્મ સિનેમા હોલમાં જઈને જોઈ નથી.
The Lunchbox (2013) ફિલ્મને ઓસ્કાર એન્ટ્રી માટે સૌથી આગળ માનવામાં આવતી હતી, પણ ‘ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા’ની કમિટીએ The Good Road (2013) ફિલ્મને સર્વાનુમતે પસંદ કરી.
‘ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા’ની કમિટીના હેડ ગૌતમ ઘોષે કહ્યું: “આ એક નવી ફિલ્મ છે પણ ‘ધ ગુડ રોડ’ આશ્ચર્યચકિત કરે છે કારણ કે તે અજાણ્યા ભારતને દર્શાવે છે.”
તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, તેમને ગર્વ છે કે પહેલીવાર કોઈ ગુજરાતી ફિલ્મ ઓસ્કાર માટે પસંદ થઈ છે.
ફિલ્મ જોયા બાદના પ્રશ્નો
ફિલ્મ જોયા બાદ અમુક પ્રશ્નો જરૂર ઉભા થાય છે, જેમ કે:
(1) શામજી, બાળકને સતત પોતાની સાથે જ કેમ રાખે છે, તેને પોલીસ સ્ટેશન અથવા કોઈ સલામત જગ્યાએ કેમ નથી ઉતારી દેતા? (2) રિન્કલ, પૂનમ કરતા મોટી, સમજદાર અને અનુભવી હોવા છતા પણ તે પૂનમને એક ખોટી જગ્યાએ કાયમ માટે રોકાઈ જવા કેમ વારંવાર સમજાવે છે? (3) અજય અને સોનાલી અમુક સીન્સમાં પોતાના બાળકને શોધવામાં એટલા ગંભીર કેમ નથી લાગતા? (4) શું ગરીબી અને રુરલ એરિયા આધારિત ભારતીય ફિલ્મ જ એવોર્ડ માટે યોગ્ય ગણવામાં આવે છે?
શું ‘ફિલ્મ ફેસ્ટીવલ’ માટે આ એક બેસ્ટ ફિલ્મ છે?
તેનો જવાબ હા અને ના બંનેમાં આપી શકાય છે. સૌથી પહેલા જોઈએ તો ફિલ્મની સ્ટોરી એ ‘ફિલ્મ ફેસ્ટીવલ’ માટે ઉત્તમ છે, પણ તેનું પ્રેઝન્ટેશન યોગ્ય નથી. ફિલ્મમાં જે સામાજિક મુદ્દો ઉઠાવ્યો છે, તેના ઉપર વધુ ભાર મૂકી શકાયો હોત. ફિલ્મમાં એક્ટિંગનું સ્તર ખુબ જ નીચું છે. સાથે જ ફિલ્મમાં અધુરપનું પ્રમાણ ઘણું છે.
આ બધાને અંતે એક સૌથી મોટો પ્રશ્ન થાય છે, શું આ ફિલ્મ, The Lunchbox (2013) ફિલ્મના બદલે ઓસ્કાર માટે ખરેખર એક યોગ્ય પસંદગી હતી?
વિવાદ
આ ફિલ્મ સાથે થોડો વિવાદ પણ જોડાયેલો છે. ‘Stop Abusing Gujarat‘ (ગુજરાતને બદનામ કરવાનું બંધ કરો) ‘No Need of this type of Oscar‘ (નથી જોઈતો આવો ઓસ્કાર) આવા લખાણો સાથે આ ફિલ્મનો ખુબ વિરોધ પણ થયો હતો, કેમ કે ફિલ્મમાં ચાઈલ્ડ પ્રોસ્ટીટ્યુટ અને સાથે ગાળો પણ દર્શાવવામાં આવી છે.
ફિલ્મ બનાવવા પાછળની નરી વાસ્તવિકતા
ફિલ્મના કલાકાર અજય ગેહીએ પોતાના ઈન્ટરવ્યુંમાં જે પણ કહ્યું હતું તે જાણવા જેવું હતું: “મને નથી લાગતું કે કોઈએ એવું પણ વિચાર્યું હશે કે ફિલ્મ રીલીઝ પણ થશે… અમારા માટે એજ મોટી વાત છે કે ફિલ્મ રીલીઝ થઇ.” “બે ચાર મિત્રો સાથે મળીને કંઇક સારી વસ્તુ કરી લીધી, અને પછી ભૂલી પણ ગયા… અને ખબર પડે કે તે વસ્તુને ‘નેશનલ એવોર્ડ’ મળી ગયો… ‘નેશનલ એવોર્ડ’ જ અમને હજમ નહોતો થતો… આ ફિલ્મ અમે ફક્ત અને ફક્ત એટલા માટે બનાવી હતી કે સારા લોકો ભેગા થઇને દિલથી એક સારી વસ્તુ બનાવીએ.”
આ સિવાય સોનાલી કુલકર્ણીએ પણ કંઇક અલગ કહ્યું હતું: “આ ફિલ્મનું પૂરું થવું અને રીલીઝ થવું એજ અમારા માટે ખાસ હતું.” “બજેટ નહોતું, પેટ ભરવા માટે વસ્તુ નહોતી, અને ઘણી વાર લાગતું હતું કે આવી ઓછા બજેટની ફિલ્મો હવે મારે ના કરવી જોઈએ. પણ હું એક્ટિંગ માટે પેશનેટ છું, એટલે મેં આ ફિલ્મ પૂરી કરી.”
Conclusion
The Good Road (2013) એ ગુજરાતી સિનેમા માટે એક સીમાચિહ્નરૂપ ફિલ્મ છે, એટલા માટે કે તે એક રીતે અલગ છે. હાઈપરલિંક ફોર્મેટ, બિન-અભિનેતાઓ, વાસ્તવિક સ્થાનો અને સામાજિક મુદ્દાઓ, આ બધું એકસાથે લાવવું એ સામાન્ય નથી.
આર્ટ ફિલ્મ લવર્સ, ફિલ્મ સ્ટુડન્ટ અને પ્રાદેશિક ભારતીય સિનેમામાં રસ ધરાવતી ઓડીયન્સ માટે આ ફિલ્મ જોવા લાયક છે. આ ફિલ્મે ‘ગુજરાતી ફિલ્મ સિનેમા’ને આંતરરાષ્ટ્રીય લેવલે ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
આ બ્લોગ આધારિત તમારા thoughts, feedback, નીચેના ‘comment section’માં લખી શકો છો, અથવા E-mail અને WhatsApp પણ કરી શકો છો
